વિસનગર - શહેરના નગરરત્નો
 
 
ક્રાંતિવીર : શ્રી ગોવિંદરાય ઉત્રાણકર    
     
    મહાત્મા ગાંધીજીએ ભારતના યૌવનને રણટંકાર કર્યો ''અંગ્રેજો ચાલ્યા જાઓ'' દેશવાસીઓ જાગો, પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. આ આંધીનો પવન છેક વીસનગર સુધી પ્રસર્યો અને કેટલાક યુવાનોએ પરદેશી વસ્તુઓની હોળી કરી. અંગ્રેજી ભણતર પણ છોડયું. વીસનગરનો દિવસ પ્રભાતફેરીથી ઉગવા લાગ્યો. ''રંગ જાયના યુવાન રંગ જાયના...'' તારી માવડીનું દૂધ વગોવાય ના.... જો જે જો જે.... જેવા ગીતો આ નગરની ગલીએ ગલીએ ગુંજવા લાગ્યા.
     
    પારેખપોળ પાસેની એક સભામાં એક પછી એક લોકો જુસ્સાભેર આવતા હતા. વીસનગરમાં તે સમયે ઉમિયાશંકર પુરોહિત નામે એક પ્રભાવશાળી ફોજદાર હતા. ઉમિયાશંકરનો કડપ ભારે. સાંજે પાંચેક વાગ્યાથી સભામાં ગરમાવો હતો. ત્યાં અચાનક ઘોડેસવાર ઉમિયાશંકર ફોજદારની સાથે કેટલાક પોલીસ જોસભેર આવી પહોચ્યાં. પોલીસના હાથમાં ભરેલી બંદૂક જોતાં લોકમાનસમાં તરેહ તરેહના વિચારોના ચમકારા થયા. અચાનક કેટલાક યુવાનોએ પોલીસના હાથમાંથી બંદૂક ઝૂંટવી લેતા પ્રયત્ન કર્યો. ચારે તરફ શોરબકોર, બેબાકળાપણું અને ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું. બંદૂક ખૂંચવી લેવા જતાં અચાનક બંદૂકનો ઘોડો દબાણો અને બંદૂકમાંથી સનનન... કરતી ગોળી છૂટી અને વાગી એક મહારાટ્રીયન યુવાનને. ચારે તરફ સન્નાટો ફેલાઈ ગયો. આખું ગામ વંટોળિયાની જેમ ચગડોળે ચડયું.
 
     
    આ યુવાન તે ગોવિંદરાય કૃ. ઉત્રાણકર જન્મ સાલ સને. ૧૯૧૭ રાષ્ટ્રભકિતથી રંગાયેલા માત્ર છવ્વીસ વર્ષના ભરયુવાનનું તા. ૧પ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ શહીદ થવું એ આ નગરના આઝાદીના ઈતિહાસની મોટી ઘટના છે. આજે પણ મુખ્ય બજારના ચબૂતરા પાસે એક મૌન ખાંભી પોતાનું સંભારણું લઈ નિ:શબ્દ ઉભી છે.
     
   તાજેતરમાં શ્રી નવનીતભાઈ ત્રિવેદીએ સ્વ. શહીદવીરની પુણ્યસ્મૃતિમાં આ નગરના મહેસાણા રોડ પર તિરૂપતિ ટાઉનશીપ પાસે આવેલી એક શાળાને શહીદ વીર ગોવિંદરાવ ઉત્રાણકર નામાભિધાન કરવાની શરતે દાન આપ્યું છે. એ રીતે આ નગરના એક સમજશીલ નાગરિકે વતનપરસ્તી અને માતૃભૂમિ તરફની સચ્ચાઈભરી લાગણીનું વહેણ નવી પેઢીમાં અને ભવિષ્યમાં પણ સતત થતું રહે તેવી વિશાળ ભાવનાને વહેતી કરી છે.
     
''રકત પટકતી સો સો જોળી, સમરાંગણથી આવે
કેસરવરણી સમર સેવિકા, કોમલ સેજ બીછાવે
ઘાયલ મરતાં મરતાં રે... માતની આઝાદી ગાવે.''
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By