વિસનગર - શહેરના નગરરત્નો
 
 
મર્મજ્ઞ નટ અને દિગ્દર્શક : શ્રી જયશંકર સુંદરી    
     
    પુરાણોમાં આનર્ત પ્રદેશને રંગશાળાનો પ્રદેશ કહયો છે. જયશંકર ''સુંદરી''ની આસપાસ એક રોમાંચક વાયુમંડળ પ્રસરી રહયું હતું. પ્રેક્ષકો, પત્રકારો, તેમના સાથી કલાકારો આ બધા જેમને ''લિવિંગ લિજેન્ડ'' ગણતા તે જયશંકરભાઈનો જન્મ વડનગર પાસેના ઉંઢાઈ ગામમાં તા.૩૦/૧/૧૮૮૯ના રોજ થયો હતો. વીસનગરમાં તેમણે સૌ પ્રથમવાર એક નાનકડી પ્રવાસી નાટક મંડળનું ''હરિશ્ચંન્દ્ર'' નામનું નાટક જોયું. આ નાટકે એમના મન અને હદય ઉપર પ્રબળ અસર કરી. ભાવિ નટવર્ય થવાનાં એમાં અદ્રશ્ય એંધાણ હતાં.
     
    ભણતર ગામઠી ગુજરાતી શાળાની બે ચોપડી. નવમે વરસે જયશંકરે વીસનગર છોડયું. મહિને છ રૂપિયાના પગારે કલકત્તા ગયા. ત્યાં દાદાભાઈ રતનજી થુથી નામના પારસી નટ અને દિગ્દર્શક એમની અભિનયકલાના પહેલા ગુરુ. સને ૧૯૦૧ના મે મહિનાની ૧૮મી તારીખે ૧ર વર્ષનો કિશોર મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયો. ૧ર વર્ષના જયશંકરે ''સુંદરી''ની ભૂમિકામાં પ્રેક્ષકો પર ભૂરકી નાખી. નટ તરીકે સ્ત્રી ભૂમિકાના સમગ્ર વ્યકિતત્વ સાથે પોતાના વ્યકિતત્વની અપૂર્વ તદ્રુપતા તેઓ સાધી શકતા. આ નાટકની ભૂમિકા પછી ગુજરાત એમને ''સુંદરી'' તરીકે ઓળખતું હતું. એમનું વ્યકિતત્વ લોકહૈયે વસી ગયું ''કામલતા'' નાટકમાં કવિ કુલગુરુ કાલિદાસની શકુંતલાનું દેશી રૂપ જયશંકર બનતા અને સને ૧૯૩રમાં એમણે અમદાવાદથી વ્યવસાયી રંગભૂમિ છોડી એ પછીનો વીસનગરનો તબકકો ''રંગદેછતાની આરાધના'' શબ્દ ધ્વારા કરવાનો હતો. વીસનગરમાં પણ એમણે નાટકો ભજવ્યાં છે.
 
     
    સને ૧૯૪૯ની ૧પ જુલાઈના દિવસે અમદાવાદમાં નાટય વિદ્યામંદિરની સ્થાપના થઈ. જયશંકરભાઈએ એક પાઈ પણ લીધા વગર ૧૯૬ર સુધી નાટયમંદિર અને નટમંડળમાં અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું. જેમાં સંસ્કૃત કવિ બોધાયન અને ભાસનાં સંસ્કૃત નાટકો, ઈબ્સનનું ''સાગરઘેલી'', શરદબાબુનું ''વિરાજવહુ'' અને ''વિજયા'' આ બધાં નાટકોએ અમદાવાદને નાટકનું તીર્થધામ બનાવ્યું. અમદાવાદના એમના રહેઠાણ દરમિયાન દ્રવ્ય લાલસા પ્રતિ અનાસકિત, નૈતિક ભાન જેવા વ્યાપક ગુણો અને ચારિત્રયની સુઘડતા આ બધાંએ જયશંકરભાઈ તરફ લોકોને આકર્ષયા. ''મેના ગુર્જરી'' નાટક તો અમદાવાદ, મુંબઈ અને ઠેઠ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોચ્યું.
     
    ૧૯પ૪માં અમદાવાદમાં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, સને ૧૯પ૭માં એમને દિલ્હીનો રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. સને ૧૯૭૧માં રાષ્ટ્રપતિએ એમને પદમભૂષણથી નવાજયા. એમના અવસાન પછી દિલ્હી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ એમના અભિનય જીવનને ધ્યાનમાં રાખી એક અદભૂત નાટક ''એન અકટર્સપ્રિપેર્સ'' નામે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા વગેરે જગ્યાએ ભજવી ઉત્ત્મ ભાવાંજલિ આપી. અમદાવાદમાં પણ ગુજરાત સરકારે ''નાટયગૃહ'' બનાવી તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવી છે.
     
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By