વિસનગર - શહેરના નગરરત્નો
 
 
ગુરુપૂર્ણિમા : શાસ્ત્રીય સંગીતની ધારા - કિશોરદાસજી મહારાજ
   
     
    મહાસુખભાઈ શેઠના ''વીસનગર'' નામના પુસ્તકમાં દેળિયા તળાવને કાંઠે શ્રી છબીલા હનુમાનજી મંદિરની એક રમણીય તસવીર છે. આજથી આશરે સાડા આઠ દાયકા પહેલાં આ જગ્યા નિર્જન ગણાતી. પુષ્કળ ઝાડી હતી. આવી એકલ દોકલ જગ્યામાં ઉદાસી સંપ્રદાયના એક સંત નામે કિશોરદાસજી મહારાજનું આગમન થયું. આ સમય દરમિયાન દંતચિકિત્સક - સંગીતપ્રેમી શ્રી વૈદરાજ તારાચંદજીનું જોધપુરથી અત્રે આગમન થયું. આ ઘટના પછી લગભગ એક દાયકા પછી શ્રી વિરમદાસજી (પહાડીબાબા) હિમાચલ પ્રદેશથી દિલ્હી, લખનૌ, વારાણસી વગેરે સ્થળે ફરતા ફરતા વીસનગર પધાર્યા.
     
   શ્રી હનુમાનદાદાની કૃપા, સંતશ્રી કિશોરદાસજી મહારાજના આશીર્વાદ અને સંગીતાનુરાગી તારાચંદજી વૈદરાજના સહયોગને કારણે આ નગરમાં ગુરુપૂર્ણિમાની રાત્રિએ શાસ્ત્રીય સંગીતની ધારા વહેવા લાગી. સને ૧૯૪૮માં પ.પૂ.શ્રી કિશોરદાસજી મહારાજ દેવ થતાં સંતશ્રી પહાડીબાબા છબીલા હનુમાનજી સ્થાનના મહંત બન્યા. સને ૧૯પ૯માં અષાઢ સુદ ૧રના દિવસે વૈદરાજ તારાચંદજીનું અવસાન થયું પરંતુ સંગીતપ્રેમી શ્રોતાઓ અને મિત્રમંડળની સંનિષ્ઠા અને સદભાવનાથી વૈદરાજ તારાચંદજીના સુપુત્ર ડો.બાબુલાલ વૈદ્ય (ડો.શંકરલાલ વૈદ્ય) આ પુનિત વિશિષ્ટ પરંપરાને આજ પર્યંત સુધી નવપલ્લવિત રાખી છે.
     
    સુપ્રસિધ્ધ જૈન સંગીતકાર શ્રી હીરાલાલ દેવીદાસ ઠાકુર, ગજાનન દેવીદાસ ઠાકુર, અમદાવાદના શ્રી નાગરદાસ અરજણદાસ (દિલરૂબા વાદક), સુપ્રસિધ્ધ સારંગીનવાઝ નિઝામુદ્દીનખાં, પંડિત પુરણચંદ્રજી, શ્રી નન્નેખાનજી, વાયોલિન વાદક શ્રી પી.જી.સિંદેજી, વડોદરાના સુપ્રસિધ્ધ તબલાવાદક શ્રી હીરાભાઈ નકશીગરા, પાટણના ઉદયપુરના શ્રી જગન્નાથ વર્મા, રામચંન્દ્ર નાયક, મધ્યપ્રદેશ મંદસોરના ભગવતીપ્રસાદ, સુરેશકુમાર ગાંધર્વ (તબલાવાદક), સારંગીવાદક શ્રી ભંવરલાલ અને શ્રી બિહારી ગાંધર્વ જેવા સંગીતકારોનું પુનિત મિલન ગુરુપૂર્ણિમાએ થતું રહયું છે. સંત કબીર, તુલસી, મીરાં, નરસિંહ મહેતા અને અન્ય કવિવરોની સાહિત્‍િયક રચનાઓનાં ગાન થતાં રહયાં છે.
     
    એકવાર પરમ આદરણીયા પૂં.સાણંદબાપુ શ્રી જસવંતસિંહજી, શ્રધ્ધેય ગાયક પંડિત મણિરામજી અત્રે પધાર્યા હતા. આ સુદીર્ધ વિશિષ્ટ પરંપરાને કારણે જ વીસનગરમાં સ્વરવંદના સંસ્થા, એ સાથે શ્રી શારદાબેન જુગલદાસ નાયક સંચાલિત ભારતીય સંગીત વિદ્યાલયની સ્થાપના થઈ છે. આ સંસ્થામાં વાડિયા ચલચિત્ર જગતના સંગીતકાર બળદેવદાસ પ્રભાશંકર નાયક અને ઉદયપુરના સુપ્રસિધ્ધ ગાયક શ્રી બાલકૃષ્ણભાઈ નાયક સંગીતપ્રીતિને આગળ વધારી છે.
     
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By