વિસનગર - શહેરના નગરરત્નો
 
 
વિદ્યાના વિકાસક : શેઠ માણેકલાલ નાનચંદ    
     
   શેઠ માણેકલાલ નાનચંદની ઉદાર સખાવતને કારણે મહેસાણા જિલ્લામાં સૌ પ્રથમ કોલેજ વીસનગરમાં સર્જાઈ. ડિસેમ્બર ૧૯૪પમાં તે વખતના વડોદરા રાજયના દિવાન શ્રી બી.એલ.મીતરના શુભ હસ્તે મહાવિદ્યાલયના મકાનનું ખાત મુહૂર્ત થયું. જૂન ૧૯૪૬ના રોજ મહાવિદ્યાલયના મકાનમાં બેસી શકાય તેવા ત્રણ ઓરડા તૈયાર થયા. આનર્ત પ્રદેશનું આ સર્વ પ્રથમ મહાવિદ્યાલય ઉદઘાટનનો દિવસ પણ આ પ્રદેશની ભૈમિ જેવો જ સાદો રહયો. ૧પમી જૂન એ આ નગરની અસ્‍િમતાનો દિવસ ગણી શકાશે. કોઈ પણ જાતના બાહય દેખાવ વગર માત્ર આસોપાલવના તોરણથી શણગારેલા આજના મહાવિદ્યાલયના મ્યુઝિયમ હોલમાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં અને દાતા શેઠશ્રી માણેકલાલ નાનચંદની નજર સામે મહાવિદ્યાલયના પ્રથમ વરાયેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી વિનાયકકૃષ્ણ ગોકાકે આ મહાવિદ્યાલયનું ઉદઘાટન કર્યું. તેમણે કહયું, ''હું આજે રણની રાજકુમારીને રમતી મૂકું છું.''
 
     
    મા.ના.મહાવિદ્યાલય, વીસનગરના બીજારોપણમાં મહાત્મા ગાંધીજીનો ફાળો છે. બન્યું એવું કે આ મહાવિદ્યાલયના દાતા મુંબઈમાં વ્યાપાર કરતા હતા. એક વખત ભાવનગર જતા હતા ત્યારે ગાડીમાં તેમણે ગાંધીજીનો મેળાપ થયો. તે વખતે ગાંધીજીની સાથે થયેલ અંગતગોષ્‍િઠ પ્રમાણે વિલાયતી કાપડના વેપારને તિલાંજલી આપી અને પોતાની પાસે રહેલાં નાણાંનો સદઉપયોગ પોતાના નગર અને જિલ્લામાં વસતાં યુવક યુવતીઓના વિકાસ માટે એક મહાવિદ્યાલય સ્થાપવાનો દ્રઢ નિર્ણય કર્યો.
     
   આ માટે તેમણે સને ૧૯૪પમાં વડોદરા રાજયના દિવાન શ્રી બી.એલલિતર સાથે વાટાઘાટો કરી. એ દિવસોમાં ખૂબ માતબર ગણી શકાય એવી રૂ.ચાર લાખની રકમ સૂચિત મહાવિદ્યાલય માટે એ દરખાસ્ત વડોદરા રાજયને આપી. એ સમયમાં અજમેરથી અમદાવાદ વચ્ચે એક પણ કોલેજ ન હતી. ત્યારે શેઠ શ્રી માણેકલાલે કરેલ આ પુણ્ય સંકલ્પ આ બૃહદ વિસ્તાર માટે કેટલા આશીર્વાદરૂપ અને વિકાસાત્મક બન્યો છે તે તો આ કોલેજમાંથી ઉચ્ચ ઉપાધિ લઈ પરદેશ ગયેલા અને આ દેશમાં રહી સ્‍િથર ગયેલાં સેંકડો યુવક યુવતીઓના દિલની અમર યાદ છે. પોતાના પિતાશ્રીના નામની શેઠ નાનચંદ પૂંજીરામ હોસ્ટેલના બાંધકામ માટે પણ દાન આપ્યું છે.
     
    ઉચ્ચ શિક્ષાણ માટે આવી ઉદાર સખાવત કરનાર આ દાતા ફકત છ ગુજરાતી ચોપડી સુધી ભણ્યા હતા. તેમની માતાનું નામ ચકુબાઈ હતું. નવ વર્ષની ઉંમરે તેમણે પ્રભુતામાં પગલાં માંડયાં અને છાપખાનાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. એક સામયિક પણ શરૂ કર્યું. પછી નસીબ અજમાવવા મુંબઈ ગયા. પ્રારંભમાં પરમાનંદદાસ રતનજી અને મણિલાલ લલ્લુભાઈની પેઢીમાં નોકરી કરી. પાછળથી એ જ પેઢીમાં ભાગીદાર બન્યા ત્યારબાદ કાપડનો સ્વતંત્ર ધંધો કર્યો. તેમાં મબલખ કમાયા. ગાંધીજીની સૂચના પ્રમાણે વિદેશી કાપડનો વ્યવસાય ત્યજીને દેશી ફીનલે મિલની વોયલ અને બોમ્બે ડાઈંગની છીંટનો વેપાર શરૂ કર્યો અને આ ક્ષણે મા.ના.મહાવિદ્યાલયનું બીજારોપણ થયું.
     
    આચાર્યશ્રી ગોકાક સાહેબના આ પ્રમાણેના શબ્દોની નોંધ કરવી જોઈએ. ''કવિ અને સ્વપ્ન દ્રષ્ટા સમા મારે માટે તો ઉત્તર ગુજરાતના ખોળામાં પ્રકાશ સાથે માધુર્ય મિલનસમા આ અમરકેન્દ્રનો પ્રારંભ કરાવવાની કોઈ અમૂલ્ય તક જાણે વિધાતાએ મને પૂરી પાડી હતી... મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે આ મહાવિદ્યાલય ઉત્તર ગુજરાતની ભાવિ પેઢી માટે ઉછેરનું વત્સલ પારણું બની રહેશે. તે અસંખ્ય હૈયાનાં પ્રેમ અને સહાય મેળવતું રહેશે. આ ભૂમિ અનેક યુવાનોના પગલાંઓથી સદાય મુખરિત બની રહેશે.'' એમ.એન.કોલેજના પ્રાંગણમાં શેઠ શ્રી માણેકલાલ નાનચંદની અડધા કદની આરસની પ્રતિમા આજે પણ સેંકડો નવયુવક યુવતીઓને પ્રેરણાપીયૂષ પાય છે. આ પ્રતિમાની નીચે કવિ દેવશંકર ના.મહેતા રચિત કેટલીક પંકિતઓ અતીતને સમજવા ઉપકારક બને તેવી હોવાથી અમે નોંધી છે.
     
'' આંખ દીધી હરિએ હરવા
દીન-દુ:ખી તણા દુ:ખ નીરખીને.
કાન દીધા હરિ, ''ધા'' સૂણવા,
કંઈ સાહય થવા દીન પરીખને,
કંઠ દીધો, આશ્વાસન કાજ,
દુ:ખી દુ:ખ ભાર કરે હળવા,
હાથ દીધાં ધન વાપરવા,
શુભ જ્ઞાન - પ્રકાશ ધરી ગરવા.''
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By