વિસનગર - શહેરના નગરરત્નો
 
 
મહારાષ્ટ્રનું પુષ્પ આ નગરમાં : નલિનીબહેન દેવળેકર    
     
    ઘટના છે વીસમી સદીના સાઈઠના દાયકાની. સ્થળ છે આદર્શ વિદ્યાલયનું એ સમયનું ઈતર પ્રવૃત્‍િત કરવા માટેનું પટાંગણ, સુખ્યાત મરાઠી નાટયકાર આચાર્ય અત્રેનું બહુચર્ચિત નાટક ''દુનિયા શું કહેશે?'' એક ક્રાંતિકારી એટલે એક સ્ત્રી પોતાના વૈચારિક વ્યકિતત્વને કારણે પુત્રપ્રેમને વશ થઈ. પુત્રના મરણના તીવ્રત્તમ આઘાતને કારણે રંગમંચ પર ડૂસકાં ખાતાં ખાતાં ઢળી પડે છે. આ પાત્ર જુવાન નલિનીબહેન દેવળેકરે પાત્રમાં પૂરેપૂરાં અવગત થઈ એટલી તો સચોટતાથી ભજવેલું કે વિશાળ પ્રેક્ષક વર્ગ અને તેમની આસપાસ કામ કરતા બધા પાત્રો દિગ્મૂઢ બની ગયેલાં. રશિયન નાટયકાર જેને સાક્ષાત્કાર કહે છે. એવા કોઈક સાક્ષાત્કારની પળ નલિનીબહેન સર્જી શકયાં તેટલે અંશે તેઓ સંવેદનપટુ સર્જક કલાકાર.
 
     
    નલિનીબહેનનું નખશીખ વ્યકિતત્વ ભાવરંગી કલાકાર અને એટલા જ ભાવરંગી શિક્ષિકા. આ નાટકના દિગ્દર્શક હતા સોમપ્રસાદ વ્યાસ - કવિ શ્યામ. શિક્ષકનું કર્તવ્ય માત્ર શાળાના ઓરડામાં સમાઈ જવું નથી પરંતુ એના પગલાં જયાં જયાં પડે ત્યાં ત્યાં નવસર્જન થાય છે.
     
   આ નગરના સ્ટેશન રોડ ઉપર ભાટવાડાને નાકે રૂપકલા સ્ટુડિયો હતો. મૂળે સોમભાઈ પટેલ રંગરેખા અને તસ્વીર ખેંચવાના કુશળ કસબી કલાકાર. આ નાટકમાં શ્રી સોમભાઈ પટેલ ક્રાંતિના પતિનો પાઠ કરતા. નલિનીબહેન તો ક્રાંતિ કરી સાથે સોમભાઈ પટેલે પણ ક્રાંતિ કરી. શ્રી સોમભાઈ પટેલની સાથે કાનજીભાઈ પટેલ આ નાટકમાં આવતા. સિનેમાના રંગીલા નટની ભૂમિકા કરતા.
     
   જે સમયપટ પર આ નગરમાં બહેનો મુકતમને અને પ્રસન્નચિત્તે બાગબગીચામાં જવા માટે નહિવત મોકળાશ અનુભવતી એ સમયમાં દેવળેકર કુટુંબ તે શેઠ ગોકળભાઈ દોલતરામ પરિવારની બહેનો. આ વૃંદથી એ સમયે વીસનગરનો લીમડાથી શોભતો રસ્તો ગોકુળ કે વૃંદાવન બની જતો. સ્વચ્છ, સુઘડ પહેરવેશના આગ્રહી આ બંને પરિવાર.
     
    નલિનીબહેનમાં મહારાષ્ટ્રીય પ્રજાનો પરિશ્રમ અને સ્વબળે જાતે કમાઈ સ્‍િથર થવાનો સહજ ગુણ. આજે પણ નલિનીબહેન રોટરી કલબ કે એવા કોઈ બીજા સ્થળે સંસ્કારલક્ષી અને સાંસ્કૃતિક સમારોહ કાર્યક્રમમાં અવશ્ય હાજરી આપે છે. એક શિક્ષિકા તરીકે એમનામાં અંકુરિત થયેલું શિક્ષકત્વ આજે પણ ચોમેર સુગંધ પ્રસરાવે છે. નલિનીબહેન માટે જીવન પોતે જ ઉત્સવ છે. એટલે તેઓ એકલા પણ ઉમંગભેર જીવે છે.
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By