વિસનગર - શહેરના નગરરત્નો
 
 
નગરપાલિકાના નિખાસલ પ્રમુખ : શ્રી શિવાભાઈ પટેલ    
     
    શ્રી શિવાભાઈ પ્રભુદાસ પટેલનો જન્મ તા.ર૬-૮-૧૯૦૮ના રોજ વીસનગર શહેરમાં ગયો હતો. એમના પિતા શ્રી પ્રભુદાસ ભાવસંગ પટેલ ગાયકવાડી રાજયમાં પોલીસ પટેલનો માનદ હોદ્દો ધરાવતા હતા. શ્રી શિવાભાઈ મેટ્રીક પાસ કરી ફોજદારી વકીલ તરીકે સારૂં નામ કાઢયું હતું. સને ૧૯૩રમાં તેઓ વીસનગર નગરપાલિકાના પ્રમુખ થયેલા. ર૦ વર્ષ સુધી તેઓ પ્રમુખપદે રહયા હતા.
 
     
   સપ્રગતિશીલ પ્રમુખ તરીકે આ નગરના વેપાર ઉદ્યોગના વિકાસ માટે તેમણે કોમર્શિયલ સેન્ટરો બનાવ્યાં. પરિણામે સુધરાઈની આવકમાં વધારો થયો. આ નગરમાં કોલેજ થાય એવો આગ્રહ સેવનારા અને તે માટે સક્રિય પ્રયત્નો કરનારી વ્યકિતઓમાં શિવાભાઈ પણ હતા. આ સિવાય વીસનગરની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓના ઘડતરમાં પણ એમનો ફાળો હતો.
     
    શિવાભાઈનું પ્રવચન સાંભળવું એક લ્હાવો ગણાતો. તેમની તળપદી સાભિનય પ્રવચનશૈલી લોકોને ખુશ કરતી અને તાળીઓના ગડગડાટ પડાવતી.
     
    શિવાભાઈ પટેલના વ્યકિતત્વનું એક અગત્યનું પાસું તે તેમનો ઈતિહાસનો વાંચનશોખ. સદાય સાદગી, ત્વરિત વિચારશકિત અને એ વિચારને એટલી જ ત્વરાથી નિર્ણયમાં ફેરવવાની શકિત. તેમની વાકછટા પર લોકો વારી જતા. શિવાભાઈ કડવા પાટીદાર સમાજના પણ પ્રમુખ હતા. પ્રમુખ તરીકે તેઓ પોતાના સમાજની વિચારસરણીથી આગળ હતા. શિક્ષણક્ષેત્રે સમાજ પછાત રહી જાય, એ એમને પસંદ ન હતું. રૂઢિચુસ્ત રિવાજો, નિયમોમાં ઘણા ફેરફાર કરાવ્યા. સમાજમાં શિક્ષણના વ્યાપ માટે તેમણે કરેલું કામ આજે પણ પાટીદાર સમાજ યાદ કરે છે.
     
    જયારે તેઓ ધારાસભામાં હાજરી આપવા જતા ત્યારે ખાદીની થેલી જ વાપરતા. કપડાં, ચોપડીઓ, નાસ્તાનો ડબ્બો આ બધું થેલીમાં જ ભરતા. તેઓ હંમેશા એક વાત વિચારતા, મારાથી કોઈનું બૂરૂં ન થાય. કોઈનું ખોટું ન થાય. તા. ર૦/૧૦/૧૯૮૭ના રોજ તેમનું દેહાવસાન થયું પરંતુ હજુ પણ વીસનગર આર.એસ.એસ. એટલે કે રમણિકલાલ, સાંકળચંદભાઈ અને શિવાભાઈને લોકો યાદ કરે છે.
     
     એક પ્રસંગ નોંધવા જેવો છે. જે સમયે તેમણે સુધરાઈના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું એ જ દિવસે સુધરાઈની ઓફિસે ગયા. ટેલીફોન એકસ્ચેન્જમાં ફોન કર્યો. આજથી સુધરાઈના પ્રમુખ તરીકે હું નથી. સુધરાઈનો એ ટેલીફોન મારે ઘેર છે તે આજે જ અને અત્યારે જ ઉઠાવી લો. આ પારદર્શકપણું વીસનગરનું ગૌરવ છે.
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By