એ પછી મહાભારત, ભાગવત કે રામાયણમાં આવતા વિરહનાં વર્ણનો સાંભળ્યા છે પણ, તેની સાચી પ્રતિતી જેણે સખા મહારાજનો ભાવાવેશ જોયા છે તેને જ થઈ શકે. પ્રભુનો વિરહ, ભકતના પ્રાણને કેવો રૂંધી નાંખે, આંખમાંથી કેવા બોર બોરનાં આંસુ પડાવે એ તો જેણે સખા મહારાજને જોયા છે એ જ કહી શકે. કૃષ્ણ વિસ્મૃતિનું દુ:ખ ભકતને કેવી રીતે સાલે તે સખાના આ ભાવના દર્શનના જે સાક્ષી છે એ જ કહી શકે. એટલું કબૂલ કરવું પડે કે શ્રીમદ ભાગવત કે રામાયણના વિરહવર્ણનો અતિશયોકિત નથી, માત્ર કાવ્ય નથી. સજીવ અનુભૂતિનાં ચિરંજીવ વર્ણનો છે. આ પ્રકારનો ભાવાવેશ સખા મહારાજે વીસનગર, ડાકોર, નાસિ, ધૃષ્ણેશ્વર, મુંબઈ, અમદાવાદમાં અનેક ગોપગોપીઓએ અનુભવ્યો છે. શ્રીનાથજી - કાંકરોલીનાં દર્શન કરતાં એમના મુખનો ભાવ બદલાઈ જતો. |