વિસનગર - શહેરના નગરરત્નો
 
 
કવિ શ્યામ : સોમપ્રસાદ વ્યાસ    
     
    આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં વીસનગરની બાવાવાળી અને પીપળાવાળી પોળની વચ્ચે આવેલી જોશીની ખડકીમાં એકલા રહેતા આ કવિ કલાકાર કેટકેટલાં મહોરાં પહેરી જીવ્યા છે. હાર્મોનિયમ પર સડસડાટ ફરતી આંગળીઓની મદદથી નીકળતા સ્વરોની સાથે આખરી ગીત ગાતા હોય એમ એક ગીતની પંકિતઓ ભૈરવી રાગમાં સરી પડે છે.
     
થયો છું વૃધ્ધ તેથી શું, એ બધા દૂર ભાગે છે?
નથી ધન પાસમાં તેથી, બધા એ દૂર ભાગે છે?
છું હું એકલો તેથી, બધા એ દૂર ભાગે છે?
અરે ભાઈ, કોઈ તો કહોને, બધા કેમ દૂર ભાગે છે?....
     
    આ કવિના જીવનની કરૂણ કેફિયતનું આ ગીત જયારે એમના મુખેથી ગવાતું ત્યારે ગાનાર, સાંભળનાર, સૌ શૂન્યમનસ્ક બની જતાં. વીસનગરને પોતાનું સ્વજન ગણી, વીસનગરની ધૂળને માથે લઈ ગાનાર આ કવિનું જીવન બે લગ્ન પછી પણ કુંવારા જેવું નિ:સંતાન નાગર કવિના આંસુનો એક ખૂણો છે. રગેરગમાં કેવી બેફિકરાઈ એની આંખોમાં ફિકરની ફાકી કરી જીવનાર નિજાનંદી પ્રાથમિક શિક્ષક જીવનમાં ઘણા ઉધામા કર્યા. સંગીતકાર, નટ, નાટયકાર, દિગ્દર્શક, ક્રાંતીવીર, હાસ્યલેખક, ક્રિકેટના ખેલાડી, કેરમના પણ ખેલાડી, જયાતિષ વિદ્યાના પણ સારા જાણકાર આ મસ્ત ફકીરનો જન્મ સને ૧૯૦૯ના જુલાઈ માસની ૩૧મી તારીખે થયેલો. તેમના પ્રથમ પત્નીનું નામ સુભદ્રાબેન. તેમના ભાઈનું નામ શિવપ્રસાદ.
     
    હવે દ્રશ્ય બદલાય છે. સ્થળ છે વીસનગરના મુખ્ય બજારમાં આવેલો ટાઉનહોલ. સામેના સ્ટેજની દીવાલ પર શેઠ મહાસુખભાઈની તસવીર. વીસનગરનો અને યુવાનોનો આ લોકપ્રિય કવિ શ્યામ રેશમી ઝભ્ભો અને છૂટી પાટલીની ધોતીમાં સજજ છે. ખભાને સ્પર્શતા લાંબા કાળા વાળને આમતેમ ઝૂલાવતા આ કવિ એક પછી એક સ્વરચનાઓ રજૂ કરે છે. એ જમાનામાં શીઘ્રકવિતાની રચના એ કવિપણાની સાબિતી હતી.
     
આઝાદીનું આંદોલન આ કવિને ન સ્પર્શે એ કેમ બને? હીચ તાલમાં એક રચના એમણે રજૂ કરેલી. જેના શબ્દો આ પ્રમાણે છે.
     

નીતરતા રકત ભર્યા પાલવડે માવડી
રોતી ચોધાર, એના કરમાં જંજીર
લજવાતી કૂખ હિંદમાતાના વીર.
તરસ્યો શોણિતનો, વિચરતાં વાટકી
ભૂલ્યો ભારતના ઓ ભોળા ભડવીર
લજવાતી કૂખ હિંદમાતાના વીર.
     
   આ સર્જકે ''વીર માયો'', ''સંસ્કાર'', ''ગોસ્મોટાળો'', ''બાપની મૂડી'' જેવા નાટકોનું સર્જન કર્યું છે. આ બધા નાટકો વિવિધ તબકકે વીસનગરના રંગમંચ પર ભજવાયાં છે. વીસનગર પારેખપોળ પાસે આવેલા ચબૂતરા પાસે એ જમાનામાં તેઓ ભીંતપત્ર ધ્વારા સામાજિક ક્રાંતિ જગવતા અને ભલભલાની ખબર લઈ નાખતા. સુરતમાં કવિ નર્મદે ''દાંડિયો'' પીટયો એમ વીસનગરમાં કવિ શ્યામે એક જાગતિક પ્રહરીની ભૂમિકા ભજવી છે. સને ૧૯૭૪ તા. ૧૯મી માર્ચના દિવસે કોઈને પણ ખબર આપ્યા વગર સરી જતા સ્વપ્નની માફક છાના સપના જેવા આ જગત છોડી સદાને માટે ચાલ્યા ગયા.
     
   
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By