કેશવલાલ ચુનીલાલ ટાવરમાં પડતર ટકોરાના નાદે અમે અચાનક સફાળા જાગી જઈએ છીએ અને નજરે પડે છે. પારેખ મણિલાલ મૂળચંદ મદ્રાસવાળા શુભદર્શક વાચનગૃહ (સને ૧૯૮૦), જૂના શાકમાર્કેટ ઉપરનો રાજરત્ન મહાસુખભાઈ ટાઉનહોલ, સમયની સાથે રંગો બદલાઈ ગયા છે પણ હજુ એ રસ્તેથી નીકળીએ છીએ ત્યારે બે-ચાર પળ માટે શબ્દના પડઘા પડે છે. આંખમાં દ્રશ્યોનાં વમળ ઉમટે છે. પગ ગતિ પકડે છે. એક ઘટના બાદ નકકી બીજી ઘટના હોય છે અને આ બીજી ઘટના એટલે પારેખ વલ્લભરામ હેમચંન્દ્ર જનરલ લાયબ્રેરી, સામે શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલયમાંથી આવતો ઘંટારવનો અવાજ અને એ અવાજમાં ભળી જતા સ્વામીનારાયણ મંદિરમાંથી તરંગ બની કર્ણપટલ પર અથડાતાં ભકિતપદો. સહેજ આગળ વધીએ એટલે એક યુવાનને અષ્ટાપદજીના જિનાલયમાં ભાવરંગ મુદ્રામાં અમે પ્રવેશતો જોઈએ છીએ. રોજની રટના હોય તેમ એક અવાજ સંભળાય છે, ''નમો નારાયણ બાપુ'' માણસનું માણસપણું ડૂબે એ પહેલાં ચાલો આપણે જોઈ લઈએ વહોરો કૂવો અને દેળિયું તળાવ. બાજુમાં પંચમુખી હનુમાન. વિવિધ ઘાટો. |