''હીર સૌભાગ્ય કાવ્ય'' નામના ગ્રંથમાં બીજી મહત્વની માહિતી મળે છે કે, એ વખતે ચલણના દ્રમ નામના સિકકાનાં ''વીસલપ્રિય'' અને ''વીસલપુરી'' જેવાં નામો હતાં. આના પરથી સાબિત થાય છે કે વીસનગરમાં એ સમયે ટંકશાળ હશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વીસનગરની આ ટંકશાળાના સિકકાઓ ચલણમાં વપરાતા હતા. હીર વિજય સૂરિની જન્મભૂમિ પાલનપુરમાં પાશ્ર્વનાથના મંદિરમાં દરરોજ પ૦૦ વીસલપુરી દ્રમનો ખર્ચ પૂજાવિધિમાં થતો હતો એવા ઉલ્લેખો મળે છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં વીસનગર ગુજરાતમાં મુસ્િલમ સત્તાની સ્થાપના થયા પછી સ્પષ્ટ ઉલ્લેખો સાથે દેખાય છે. ગુજરાતમાં દિલ્હીના સુલતાનોની સત્તા ઈ.સ. ૧૩૦૪ માં પાટણ તથા ગુજરાતના કેટલાક ભાગોમાં સ્થપાઈ. ગુજરાતનો વહીવટ દિલ્હીના સુબાઓ કરતા. આ વખતે દિલ્હીના સુબાઓ અને પાછળથી ગુજરાતના સ્વતંત્ર સુલતાન મુઝફફરે ઈડરના રાવ રણમલ સાથે લડાઈ કરી. આ યુધ્ધની વિગતમાં ઉતરતાં સ્પષ્ટ થાય છે કે, રણમલ પર દબાણ વધતાં તે વીસનગર વિસ્તારમાં પલાયન થઈ ગયો.
|