વિસનગર - સ્થાપત્ય અને કલા - ર  
 
1   2  3  4   5  6
 
    દેળિયા તળાવની પાળ, ગરનાળાં અને ત્યાંથી મળતાં શિલ્પોના અભ્યાસથી આ તળાવ નવમી સદી પહેલાનું ગણી શકાય. વળી અહીંથી આ સમયની શિવ પ્રતિમા મળી છે જે આ તળાવના કિનારે શિવાલયના અસ્‍િતત્વનું સૂચન કરે છે. વીસનગરના શણગારરૂપ આ સરોવરનો સર્જક કોણ હતો ? એ પ્રશ્ન ઉભો થાય છે. દેલા મહેતા તો નથી. કારણ એમની ઐતિહાસિકતા આ સમયમાં સાબિત કરવી શકય નથી પરંતુ પાછળથી જીર્ણોધ્‍ધાર સાથે તેમનું નામ જોડાયાનો વિશેષ સંભવ છે.
 
     ગાયકવાડના શાસન દરમ્યાન દેળિયાને સહસ્ત્રલિંગની પરિપાટીને બદલે કાશી જેવા ઘાટોથી સુશોભિત કરી પ્રાચીન પિંડારિયાની હરોળમાં લાવવા પ્રયત્ન થયા. પરિણામે અહીં ઈ.સ.૧૯૧પમાં ગંગાઘાટ, ૧૯૧૭માં જમનાઘાટ, ૧૯૧૮માં મથુરાઘાટ તેમજ શંકરઘાટ અને છેક હમણાં મણિકર્ણિકા તેમજ પરસનઘાટ તૈયાર કરાયા.
 
મહાકાળેશ્વર:
 
    આગળ જોયું તેમ દેળિયા વિસ્તારમાંથી મળેલ શિવ પ્રતિમા નવમી સદીમાં તળાવ પાસેના શિવ મંદિરનો નિર્દેશ કરે છે. શિવાલયના અભિધાન પરત્વે સામાન્ય નિયમ એવો છે કે સ્મશાન ભૂમિ પર આવેલ મહાદેવને મહાકાળેશ્વર કહેવામાં આવે છે, જે કાલક્રમે ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ''મંકાળેસર'' થઈ ગયું.
 
    વિસનગર વાસીઓ માટે પવિત્રતીર્થનું મહત્વ ધરાવતા આ દેવસ્થાનને અહીં શિલ્પોને આધારે તજજ્ઞો નવમી સદીમાં મૂકે છે. નાગરશૈલીના નાના ઘુમટબંધી મંદિરનો આ શિવાલય ઉત્કૃષ્ટ નમૂનો છે. ભદ્રગવાક્ષમાંના કીર્તિમુખ, દક્ષિણ તેમજ પશ્વિમનાં કિચક શિલ્પો આ પહેલાંના જૂના મંદિરનાં લાગે છે. ત્યારબાદ સોળમી સદીની શિલ્પ શૈલીયુકત ભૈરવ, પાર્વતી, શિવલિંગ, બળિયાદાદા... ઈત્યાદિનાં શિરશિલ્પો આ મંદિરના જીર્ણોધ્ધાર સાથે સંકળાયેલાં લાગે છે.
 
     આ તમામમાં ઐતિહાસિક તેમજ શિલ્પ કલાની દૃષ્‍િટએ મહત્વનો નવમી સદીની એક અર્ધપર્યુંકાસન પ્રતિમા પૂરો પાડે છે. પીળાશ પડતા પથ્થરમાં તે કંડારવામાં આવી છે. મુખ્ય શિલ્પાંકનમાં એક હાથમાં દંડ જયારે બીજો હાથ ખંડિત હોવાથી આયુધનો ખ્યાલ આવતો નથી. માથા પર મુકુટ છે. શિલ્પના દેવ એક પગ વાળીને તથા બીજો પગ લટકતો રાખી અર્ધપર્યુકાસને બિરાજેલા છે. આ પ્રતિમા રોડા અને શામળાજીમાંથી મળેલ પ્રતિમાઓની માફક પ્રાચૌલુકયકાલીન છે. મુખ્ય દેવની બાજુમાં ત્રિભંગમુદ્રામાં ઉભેલા પુરૂષો જેમના એક હાથમાં દંડ તથા બીજો હાથ સીધો છે જયારે બીજી બાજુના શિલ્પમાં વ્યકિતના હાથમાં કળશ કે શ્રીફળ છે.
 
ભીમનાથ:
 
આ મંદિરમાંના શિલાલેખનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે મુઘલ કાલમાં ઈ.સ. ૧૬૬૪માં તેનો જીર્ણોધ્ધાર થયો એ પહેલાં પણ એનું અસ્‍િતત્વ હતું. આમ અહિંયાં પ્રાચીન મંદિર હોવાને કારણે આ મંદિરનું મહત્વ વિશેષ રહયું છે. છેક હમણાં સુધી જૈનોની કેટલીક ક્રિયાના વરઘોડા આ મંદિરથી નીકળતા. કેટલાક લોકો પરદેશ પ્રયાણ કરતાં પહેલાં અહીંયાં મુકામ કરતાં કારણ ઈશાનકોણમાં પ્રયાણ કરતાં કોઈ પણ વારે કાળ નડતો નથી એવી જયોતિષશાસ્ત્રના સમર્થન આધારિત લોકમાન્યતા હતી.
 
1   2  3  4   5  6
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By