વિસનગર - સ્થાપત્ય અને કલા - ૪  
 
1   2  3  4   5  6
સવાળા દરવાજાનાં લુપ્ત શિલ્પો
 
    વિસનગરના શણગાર સ્વરૂપ સવાળા દરવાજો અત્યારે નથી. ફકત નામ રહયું છે. પરંતુ એક સમયે તેના અસ્‍િતત્વ કાળમાં એની શિલ્પ સર્મધ્‍િધ માટે એ વિખ્યાત હતો. અહીંયાં દરવાજાના ગોખમાં નર્તન ગણેશની પ્રતિમા હતી. નૃત્ય કરતા ગણપતિની આવી પ્રતિમા ગુજરાતના ઐઠોરને બાદ કરતાં બીજે દેખાતી નથી. દુંદાળા સૂંઢવાળા મંગલમૂર્તિ નૃત્ય કરે એ કલ્પના જ અદભુત છે. આ ચતુર્ભુજ શિલ્પમાંનો ચહેરાનો ભાવ, આંખની ભંગિમા અને યજ્ઞોપવિતના આંકા ખરેખર કલાના શ્રેષ્ઠ નમૂના જેવા હતા. આજે તેના અભાવે વિસનગર કલાજગતમાં દારિદ્રય અનુભવાતું દેખાય છે.
 
જાળેશ્વર (જલેશ્વર)
 
     શ્રાવણ માસમાં જયાં શ્રધ્ધાળુઓનાં ટોળેટોળાં કીડીયારાની માફક ઉભરાય છે તે જલેશ્વર અર્થાત જાળેશ્વર મહાદેવ પ્રમાણમાં અર્વાચીન છે. ઈ.સ. ૧૮૬૪ માં મંદિર તૈયાર થયું અને તેનો કુંડ અડધી સદી પછી બન્યો. અહીંયા ઈન્દ્ર, યમ, વરૂણ તેમજ દિગપાલોનાં શિલ્પો પણ ૧૭મી સદીનાં જૂનાં નથી. આમ છતાં હરગૌરીની ખંડિત યુગ્મ પ્રતિમા તેમજ અપ્સરા શિલ્પ સોલંકીકાળનું છે, જે અન્યત્રથી અત્રે લવાયું લાગે છે.
 
જમનેશ્વર :
 
    જાળેશ્વરની માફક જમનેશ્વર પણ અર્વાચીન છે. જમનાદાસ રાવલે બંધાવ્યું હોવાથી તેને આ નામ મળ્યું છે. ગુજરાતના મોઢેરા અને કેરાનાં મંદિરોની માફક અહીંયા પણ ભોગાસન શિલ્પો છે એ આશ્ચર્યકારક ગણાય. વિસનગરમાં શિલ્પીઓ-સલાટો ની મુલાકાત લેતાં તેમણે મંદિરમાં ભોગાસન શિલ્પના સ્થાનના ઔચિત્ય બાબત જણાવ્યું કે, ''મંદિરની ઉત્તમ કોતરણી અને કારીગરી જોઈને મંદિરને દર્શકોની નજર ન લાગે તે માટે નજરબંધી - નજરમાં ફેરફાર-કરવા આવાં શિલ્પો કંડારવામાં આવે છે.''
 
    જમનેશ્વરનાં ભોગાસન શિલ્‍પો ઉપરાંત પરબડીઓ નીચેથી પણ શિલ્‍પોના કેટલાક નમૂનાઓ મળી આવ્યા છે. જેમાં એક માતૃકા, નર્તકી, વાદ્યયુકત અપ્સરા તેમજ અન્ય કિન્નરીઓનો સમાવેશ થાય છે. હાથમાં ઢોલક, વીણા અને મુખારવિંદનો પ્રસન્નભાવ તેમના સૌંદર્યને વિશેષ ઉજાગર કરે છે. ફક સમભંગ છે.
 
પુરાણોકત તીર્થ પિંડારિયા
 
     આમતો દેળિયા કરતાં પણ પિંડતારક કે જે અત્યારે પિંડારિયા તરીકે ઓળખાય છે, તે તળાવ પ્રાચીન છે. સ્કંદપુરાણના નાગરખંડમાં નિર્દેશિત આનર્તપ્રદેશનાં ૩૬૦ જળાશયો પૈકી એક આ પવિત્ર સરોવર પણ હતું. પૌરાણિક અનુશ્રુતિ તો એવું જણાવે છે કે પાંડવોએ પોતાના પિતા પાંડુંનું પિંડ-શ્રાધ્ધ અત્રે સરાવેલું તેથી તેને પિંડારિયા નામ મળ્યું. આ અનુશ્રુતિને સમર્થન આપવા આ વિસ્તારનું ઉત્તખનન કરવું આવશ્યક છે. આઝાદી પહેલાં વિસનગરના ઈતિહાસ પ્રેમી સજજનો રાજરત્ન મહાસુખભાઈ અને ગોકળદાસ રાઈટરે થોડું ખોદકામ કરાવેલું જેને પરિણામે પિંડારીયાની પ્રાચીનતાને ચૌલુકય કાળ સુધી લઈ જઈ શકાય છે.
 
     અહિંયા વિખરાયેલાં ગણેશ, કિચક, ભૈરવ અને સપ્તર્ષિ શિલ્પોથી આ તળાવને અગિયારમા સૈકામાં તૈયાર થયાનું સમજાય છે જયારે ગરનાળાની કેટલીક ડીપોઝીટ તો તેને છેક પ્રાચીન કાલ સુધી લઈ જાય છે. આ વિખરાયેલાં શિલ્પો કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. સપ્તર્ષિ શિલ્પમાંનાં વસિષ્ઠ અને અરુંધતીની વલ્કલ ભંગિમા, સમાધિસ્થ ચહેરાના અલૌકિક ભાવ, વલયો-કંકણો-માળાઓ, ગૌમુખી, સરવો, આચમનપાત્ર, યજ્ઞોપવિત, દાઢી....ઈત્યાદી તમામ રેતિયા પથ્થરમાંથી કંડારવા છતાં જાણે મીણમાં કલાકારે કામ ન કર્યું હોય એવું લાગે છે.
 
1   2  3  4   5  6
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By