વિસનગર - સ્થાપત્ય અને કલા - ૩  
 
1   2  3  4   5  6
 
     આ મંદિરની સભામંડપની લક્ષમી તેમજ સરસ્વતીની અને શૃંગારચોકીમાંની ભૈરવ તથા ગણેશની પ્રતિમાઓ દર્શનીય છે. મંદિરનો ઘુંમટ નાગરશૈલીનો છે જયારે અંતરાલ આગળની કાષ્ઠની જાળી અઢારમી સદીની વિસનગરની કાષ્ટકળાના ઉત્તમ નમૂનારૂપ હતી. ગર્ભગૃહમાંનું શિવલિંગ તેમજ પાર્વતીની પ્રતિમા મૂળ મંદિરની અર્થાત પ્રાચીન છે. મંદિરના ભદ્રગવાક્ષોમાંની ઈન્દ્ર, યમ અને કુબેરની મૂર્તિઓ તેમજ અન્ય ગવાક્ષોની લક્ષમી, ઈન્દ્રાણી અને વાઘેશ્વરીની પ્રતિમાઓ તેને પૂર્ણતા અર્પે છે.
 
    આ મંદિરની સામે એક ગજ શિલ્પ છે. કહેવાય છે કે સહજાનંદ સ્વામી આ સ્થળે પધારેલા અને અહીંથી તેઓશ્રીની શોભાયાત્રા નીકળી હતી. આ પાવન ઘટનાની યાદમાં ભાવિકોએ આ પૂર્ણ કદનું ગજશિલ્પ પ્રતિષ્‍િઠત કર્યું છે.
 
હરિહર શિલ્પ :
 
   વિસનગરના ''નગરદેવતા'' હરિહરલાલજીનું મૂર્તિ વિધાન ઉત્તર મધ્યકાલીન વિશેષતાઓ ધરાવે છે. પ્રતિમાજીના ભાસ્કર્યનું નહિવત શિલ્પાંકન તેને બારમી સદીમાં લઈ જાય છે. તે ચૌલુકયકાલીન ખંડોસણના દ્વિ-પુરૂષ પ્રાસાદની મુખ્ય સેવ્ય પ્રતિમા હતી. પાછળથી તેને કાંસા પાસેના એક કૂવામાંથી મેળવીને વિસનગરના અત્યારના હરિહરલાલજીના મંદિરમાં પુન: સ્થાપિત કરાઈ છે. અત્યારના મહીવાડાના મંદિરનો સ્થાપત્ય પ્રકાર ગર્ભગૃહની સંરચના જોતાં દ્વિપુરૂષ પ્રાસાદ જેવો જ છે. વચ્ચેના હરિહરની એકબાજુએ લક્ષમીજી અને બીજી બાજુએ લાલજી મહારાજને સ્થાપીને મધ્યકાલીન પરંપરાનું સાતત્ય જાળવી રાખ્યું છે.
 
    સમગ્ર હરિહર પ્રતિમા એક અર્ધ આદમ કદના કાળા આરસ પરંતુ રેતિયા પથ્થર મિશ્રિત શીલાખંડમાંથી કંડારવામાં આવી છે. તેનું નખશીખ માપ એક મીટર જેટલું થાય છે. ભાસ્કર્ય પછી મસ્તકના જમણે શિવપ્રખંડ તરફ કિરીટમુકુટ છે. ભાલ પ્રદેશમાં ત્રિપુંડ અને તિલક છે. અડધું જમણું અંગ શંકરનું અને અડધું ડાબુ અંગ વિષ્ણુનું છે. સમગ્ર પ્રતિમાની સ્‍િથતિ સૂર્ય અને વિષ્ણુની મૂર્તિઓ માફક સમભંગ છે.
 
     ગળામાં શિવના ભાગ તરફ સૂંઢમાળા અને વિષ્ણુના ભાગ તરફ વનમાળા છે. જયારે ગળા નીચે યજ્ઞોપવીત ધારણ કરેલ સ્પષ્ટ દેખાય છે. છાતીમાં શ્રીવત્સનું ચિન્હ છે. જેને શ્રધ્ધાળુઓ કૌસ્તુભમણી માને છે. કેડમાં અલંકૃત છેડાવાળી કટિમેખલા ધારણ કરેલ છે. જમણો હાથ અક્ષમાળાયુકત વરદ મુદ્રામાં છે. જયારે બીજા જમણા હાથમાં ત્રિશૂળ છે. ચક્ર નીચે સાદો દંડ હોય તેમ લાગે છે. તદુપરાંત ચારે હાથમાં કાંડાંમાં કંકણ છે. શંખવાળા હાથને પાછળ ટેકણ-આધાર આપીને પીઠ પાછળ જગા કરવામાં આવી છે. જેથી સ્નાનવિધિ વખતે વસ્ત્રો ઉતારવા પહેરાવવાની ગુપ્તતા રહે.
 
    શિવના હાથ ઉપર ભુજંગા વલયો બનાવી કાનમાં રૂદ્રાક્ષકુંડલો વ્યકત કરવામાં આવ્યાં છે. ત્રિશૂળ દંડને વીંટળાયેલ સાપનો ઉદભવ નીચેની શેષ વલયાવલી દર્શાવી કરાવવામાં આવ્યો છે. કમલાકૃતિ પર પગ છે. શિવના પગ પાસે સદંડ શ્રુંગિ અને ભૃગિની નાની મુર્તિઓ એક પાછળ એક કંડારવામાં આવી છે. જયારે વિષ્ણુના પગ પાસે પાષાદો જય અને વિજયને ઉભા રાખ્યા છે.
 
    ટૂંકમાં આ પ્રતિમા શાસ્ત્રોકત વિધાનો મુજબની છે. શિલ્પીઓએ તેના નિર્માણમાં ''રૂપમંડન''નો આધાર લીધો હોવાથી ખટવાંગને બદલે સર્પ દર્શાવાયો છે. જયારે પગ પાસે બંને દેવોની પત્નીઓ ગૌરી અને લક્ષમી બતાવેલ નથી, એને બદલે ડાબા ગર્ભગૃહ પ્રકારના ખંડમાં લક્ષમીજીને અલગ રીતે વિષ્ણુની પાસે જ પાછળથી પ્રતિષ્‍િઠત કરાયેલાં છે. એ જ રીતે જમણી બાજુએ લાલજી મહારાજને સ્થાન મળતાં સમગ્ર મંદિરને ''હરિહર લાલજી'' નું લોકપ્રિય નામ મળ્યું છે.
 
1   2  3  4   5  6
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By